જમ્મુ-કાશ્મીરના રાજૌરીના બરિયામા વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. રવિવારે સવારે શરૂ થયેલા આ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના પેરા કમાન્ડો પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા શનિવારે રાજૌરી જિલ્લાના ગાંધા-ખ્વાજા વિસ્તારમાં સેના સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે અને આતંકવાદીઓને ખતમ કરવાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. ગીચ જંગલ વિસ્તારની પહાડીઓમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. સચોટ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસની રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા 5 ઓગસ્ટના રોજ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ભૂપ્રદેશ ઉબડખાબડ અને જંગલોથી ભરેલો હોવાને કારણે, રાષ્ટ્રીય રાઇફલ્સની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વિશેષ દળોને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. સેનાના કોર્ડનને તોડવાના આતંકવાદીઓના વારંવારના પ્રયાસોને આખી રાત ગોળીબાર કરીને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં ક્વાડકોપ્ટર, ડ્રોન અને રાત્રિના સમયે દેખરેખ રાખવા સક્ષમ સ્નિફર ડોગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.